પર્યાવરણની જાળવણી સાથે સ્વચ્છ હવા મેળવવા ઘરમાં રાખી શકાય તેવા આકર્ષક પ્લાન્ટ અને ફ્લાવરની બજારમાં માંગ વધી છે. ત્યારે આત્માને પોષણ આપનારા અને આસપાસના વાતાવરણને સ્વચ્છ રાખનારા ફૂલો અને લીલાછમ છોડ માટે નવસારી કૃષિ યુનિવર્સિટીમાં ઇન્ડોર પ્લાન્ટનું પ્રદર્શન કમ સેલનો શુભારંભ જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા અને નવસારી કૃષિ યુનિવર્સિટી કુલપતિ ડો ઝેડ પી પટેલે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકયો હતો.

ફ્લોરીકલ્ચર અને લેન્ડસ્કેપ આર્કિટેક્ચર વિભાગ દ્વારા કરાયેલું આયોજન

ઘરની શોભા વધારતા ઇન્ડોર પ્લાન્ટનું પ્રદર્શન નવસારીમાં યોજવામાં આવ્યું છે. નવસારી કૃષિ યુનીવર્સિટીમાં આવેલ ASPEE કોલેજ ઓફ હોર્ટિકલ્ચર અને લેન્ડસ્કેપ આર્કિટેક્ચર વિભાગ દ્વારા પાંચ દીવસ્ય ઇન્ડોર પ્લાન્ટ્સનું એક્ઝિબિશન કમ સેલનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં 75 જેટલા ઘરની શોભા વધારતા ઇન્ડોર પ્લાન્ટ આવેલ છે. આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણ, મનોવૈજ્ઞાનિક અને ભાવનાત્મક સ્થિતિ ઉપર આડકતરી રીતે કામની કાર્યક્ષમતા અને કાર્ય ઉત્પાદકતા સાથે સંકળાયેલ માનવ લાગણીઓ અને રોજિંદા જીવનમાં સૌંદર્યલક્ષી સ્પર્શ સાથે સુખની લાગણીઓ ઉપર ઇન્ડોર છોડની અસર વિશે લોકોમાં જાગૃતિ લાવવા કૃષિ કુલપતિ ડો. ઝેડ એન પટેલે જણાવ્યુ હતું.

આ પ્રદર્શનનાં મુખ્ય આકર્ષણોમાં જીજીપ્લાન્ટ, પરાગ્યાપ્લાન્ટ, સ્નેકપ્લાન્ટ, પિલ્યાપ્લાન્ટ, ઝેડપ્લાન્ટ, પામસપ્લાન્ટ, હેવોથીયાપ્લાન્ટ, મણીપ્લાન્ટ, ફિલોડેન્ડ્રોનપ્લાન્ટ, ઝેબરીનાંપ્લાન્ટ, એંગલોનીમાપ્લાન્ટ, ઓફીસ ટાઈમ પ્લાન્ટ, ટેરેરિયમ (બોટલ ગાર્ડન), લઘુચિત્ર, ડીશ ગાર્ડન, કિડસ ઝોન (બાળકોના બગીચા માટે ખાસ કોર્નર), કોયર આધારિત લટકતા છોડ (પ્લાસ્ટિકના ઉપયોગ વિના), ઇન્ડોર એર પ્યુરિફિકેશન (ઇન્ડોર પ્રદૂષકો સામે લડવા માટે ઇન્ડોર પ્લાન્ટ્સ કોર્નર), કેક્ટસ બ્લોક, ડ્રાય ફ્લાવર આર્ટ ઝોન, ઇકો-ફ્રેન્ડલી ઝોન (ઇકો ફ્રેન્ડલી વર્ટિકલ) જેવી વિવિધ બગીચા થીમનો સમાવેશ કરવામાં આવેલ છે. ઘરમાં રાખવા માટે ખાસ પ્રકારના ફ્લાવર પોર્ટ, પ્લાન્ટ, ફ્લાવર રેક, બામ્બુ રેક જેવી વસ્તુઓએ ઘણા લોકોનું ધ્યાન કેન્દ્રીત કરશે. આ પ્રસંગે ફ્લોરીકલ્ચર વિભાગના પ્રો.અને હેડ ડો. અલકા સિંઘ, કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસરો, વિદ્યાર્થીઓ અને શહેરીજનોએ મુલાકાત લીધી હતી.