(નવસારી :સોમવાર) : કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ‘ગાંધી જયંતી’ બાદ બે મહિના માટે “સ્વચ્છતા હી સેવા” ઉપક્રમને જાળવી રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશને સફળ બનાવવા માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશવાસીઓને આહવાન કર્યું છે. તેમજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો હેઠળ રાજ્યભરમાં આગામી બે મહિના સુધી સ્વચ્છતા હી સેવા અભિયાન ચાલનાર છે.

જે અન્વ્યે નવસારી જિલ્લામાં બાળકો અને ગ્રામજનોના સમર્થનથી ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન સાચા અર્થમાં જનઆંદોલન બન્યું છે. નવસારી જિલ્લામાં ગ્રામ પંચયાતની પ્રથામિક શાળાઓ તથા નગરપાલિકાની પ્રથમિક શાળાઓમાં છેલ્લા અઠવાડિયાથી સતત સ્વચ્છતા અભિયાન કાર્યરત છે . શાળાઓની આસપાસની જાહેર જગ્યાઓ જેમ કે, બજાર વિસ્તાર, બસ સ્ટેન્ડ, જાહેર રસ્તાઓ, ગ્રામપંચાયતના ઘરો, આંગણવાડી જેવા સ્થળોએ શાળાના બાળકો , શિક્ષકો , SMC કમિટીના સભ્યો તેમજ જાગૃત ગ્રામજનો દ્વારા સામૂહિક સાફ સફાઈ કરવામાં આવી રહી છે.

નવસારી જિલ્લામાં દરેક નાગરીક પોતાની આસપાસની ગંદકી દૂર કરી, સ્વચ્છતા રાખવા માટે વધુ કટિબદ્ધ બને તે સમયની માંગ છે. દરેક ગુજરાતી એક નાનું ડગલું સ્વચ્છતા તરફ માંડશે, તો જોત જોતામાં આપણું ‘ગુજરાત વધુ સ્વચ્છ અને સુંદર’ બનશે. સાથે પ્રજાજનોને દૈનિક જીવન ધોરણમાં પણ સ્વચ્છતાના સંસ્કારોનું સિંચન થશે.